Valsad: વલસાડમાં હિટ એન્ડ રન કેસમાં મોતને ભેટલા મૃતકોના વારસદારોને રૂ. બે લાખનું વળતરના હુકમ.

0
816

વલસાડમાં હિટ એન્ડ રન કેસમાં મોતને ભેટલા મૃતકોના વારસદારોને રૂ. બે લાખનું વળતરના હુકમ એનાયત કરાયા

માર્ગ અકસ્માતમાં અકાળે મૃત્યુ થવાના બનાવો વધી રહ્યા છે, જેમાં ઘણા કિસ્સાઓમાં ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિનું અવસાન થવાથી આખો પરિવાર નોંધારો બની જતા તેઓનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. આવા કેસમાં આંશિકરૂપે મદદ કરી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા Compensation to victims of Hit and Run Motor Accident Scheme, 2022 અમલમાં મુકવામાં આવી છે. જેમાં હીટ એન્ડ રનના (અજાણ્યા વાહનની ટક્કર) કેસમાં મૃત્યુ થાય તો રૂ. બે લાખ અને ગંભીર ઈજાના કેસમાં રૂ. ૫૦ હજારની આર્થિક વળતરની જોગવાઈ છે.

આ વળતર માટે આવેલી અરજીઓમાં નિર્ણય કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના અધ્યક્ષપણા હેઠળ કમિટી રચવામાં આવી હતી. જે કમિટી દ્વારા ચાર અરજી મંજૂર કરી ચારેય કેસમાં પ્રત્યેક મૃતકના વારસદારને રૂ. બે લાખનું વળતર મંજૂર કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના હસ્તે વાહન અકસ્માતમાં મોતને ભેટલા મૃતકોના વારસદાર ઈન્દુબેન શંકરભાઈ પટેલ (રહે. ધોડીયાવાડ, ભદેલી દેસાઈ પાર્ટી, તા.વલસાડ), સુષ્મા સુજિત સિંગ (રહે. ગોકુલધામ સોસાયટી, ધરમપુર રોડ, વલસાડ), પૂજાબેન કિરણભાઈ રાઠોડ (રહે. ધનોરી, તા. વલસાડ) અને પ્રિતીબેન તરેશભાઈ ખેરગામકરને રૂ. બે લાખનું વળતર મંજૂરીના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.

આવા આકસ્મિક બનાવો અંતર્ગત કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હોય અને આ દરમિયાન મૃત્યુ કે ઈજા થવાના પ્રસંગે આ સ્કીમ હેઠળ વળતર માટે અરજી કરી શકાય છે. આવા કોઈ બનાવ બન્યા હોય તો કલેકટર કચેરીની નાયબ ચીટનીશ શાખા અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અરજી કરી યોજનાનો લાભ લેવા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here