Valsad: કપરાડાના કરજૂન ગામના આદિવાસી ખેડૂતે દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ ફૂડ ઈન્ડિયા પ્રદર્શનીમાં ઝળક્યા

0
3930

દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ ફૂડ ઈન્ડિયા પ્રદર્શનીમાં ગુજરાતમાંથી એક માત્ર વલસાડ જિલ્લાના કપરાડાની ખેડૂત ઉત્પાદક મંડળની પસંદગી

ચાર દિવસ સુધી ચાલેલી પ્રદર્શનીમાં વિદેશના ૪૫થી વધુ વેપારીઓએ કપરાડાના આદિવાસી ખેડૂતો સાથે વેપાર કરવાની ઈચ્છા દર્શાવી


પ્રદર્શનીમાં કપરાડા તાલુકાની રાગી, મોરિયો, દેશી ચોખા, કઠોળ તેમજ કાજુ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

ખેડૂતોની આવકમાં વધારો થાય અને બમણી આવક મેળવી શકે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં ૧૦ હજાર (Farmers Producers Organisation -FPO) ખેડૂત ઉત્પાદક મંડળીનું ગઠન અને પ્રમોશન માટે કામગીરી ચાલી રહી છે, જે અતંર્ગત સમગ્ર ગુજરાતમાં વલસાડ જિલ્લા માટે ગર્વ લેવા જેવી બાબત બની છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે દેશ વિદેશના બિઝનેસમેનો માટે યોજાયેલી વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ૨૦૨૪ પ્રદર્શનીમાં સમગ્ર ગુજરાતમાંથી એક માત્ર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં જય આદિવાસી કૃષિ વિકાસ ફાર્મર પ્રોડ્યુસર લિ.નામની (Farmers Producers Organisation -FPO) ખેડૂત ઉત્પાદક મંડળીની પસંદગી થઈ હતી.

પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા કપરાડાના કરજૂન ગામના આદિવાસી ખેડૂત રઘુનાથ ભોયાએ કપરાડા તાલુકામાં થતા કાજુ, રાગી, મોરિયો, દેશી ચોખા અને કઠોળની પ્રોડક્ટને આંતરરાષ્ટ્રીય લેવલ પર પહોંચાડી કપરાડાની જમીન પર થયેલા ધાન્યને ગૌરવ અપાવ્યું છે. જે અંગે કપરાડાની ખેડૂત ઉત્પાદક મંડળી જય આદિવાસી કૃષિ વિકાસ ફાર્મર પ્રોડ્યુસર લિ. ના સીઈઓ રઘુનાથ ભોયાએ જણાવ્યું કે, એફપીઓના અમલીકરણ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા SFAC (Small farmers agribusiness consordium) એજન્સી કાર્યરત છે. ખેડૂતોના માર્ગદર્શન માટે મહારાષ્ટ્રની કૃષિ વિકાસ ગ્રામિણ પ્રશિક્ષણ સંસ્થા કામ કરી રહી છે.

અમારી FPO ડાંગર, શાકભાજી તથા ફળપાકો પર કામ કરી રહી છે. હાલમાં એફપીઓ સાથે B2B (બિઝનેસ ટુ બિઝનેસ) અને B2C (બિઝનેસ ટુ કસ્ટમર) માર્કેટ લિંકેજ મળે તે માટે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર દ્વારા ગુજરાતમાંથી SFACની એક માત્ર FPOને તા. ૧૯ સપ્ટેમ્બર થી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ૨૦૨૪માં પોતાની પ્રોડક્ટ પ્રદર્શિત કરવાની તક મળી હતી.

આ પ્રદર્શનીમાં કપરાડા તાલુકાની રાગી, મોરિયો, દેશી ચોખા, કઠોળ અને કાજુ મૂક્યા હતા. દેશ વિદેશમાં વ્યાપાર કરતા ઈરાન, વિયેતનામ, ઓસ્ટ્રેલિયા, દુબઈ, કેનેડા અને USA જેવા દેશોના ૪૫ થી વધુ વેપારીઓ સાથે B2Bમાં મુલાકાત થઈ હતી, તેઓ કપરાડાની પ્રોડક્ટ જોઈને ખુશ થઈ ગયા હતા અને વેપાર કરવાની ઈચ્છા વ્યકત કરી હતી. જેથી આગામી દિવસોમાં કપરાડાના ધાન્ય પેદાશ અને કાજુનો સ્વાદ વિદેશોમાં પણ ચાખવા મળશે. પ્રાકૃતિક ખેતી આધારિત ખાદ્ય સામગ્રી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જેથી સંપૂર્ણ આદિવાસી કપરાડા તાલુકામાં પણ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિન પ્રતિદિન વિસ્તરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here