કેટલીક બાબતો એના મૂળ સ્વરૂપે સોના જેવી હોય છે, સોના જેવી સુંદર, ચમકતી, મોહક, કદી ઝંખવાય નહીં તેવી શુદ્ધ પણ માણસનો લોભ ને અહં જેમ બધી સુંદરતાઓના આત્માને હણી નાખે છે તેમ તેણે પ્રેમ જેવા સુવર્ણતત્વને પણ પોતાની શુદ્ર અહંકેન્દ્રિત ઈચ્છાઓથી મલિન બનાવી દીધું છે. પ્રેમ બહુ મેલો બની ગયેલો શબ્દ છે. સીમાઓને પાર કરી શકે એવા એક તત્વને બહુ સાંકડી ને શુદ્ર સીમાઓમાં બદ્ધ કરી દેવાયું છે.
પ્રેમ સ્વર્ગના દ્વારની ચાવી છે એમ કહેવાય છે. પ્રેમ માનવ-જીવનની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે.હીરાના જેમ અનેક પાસા હોય છે તેમ તે અનેક પાસાઓમાં ઝળહળે છે. માનો બાળક માટેનો પ્રેમ, પતિનો પત્ની માટે કે પત્નીનો પતિ માટેનો પ્રેમ, મા બાપનો સંતાનો માટેનો પ્રેમ, મિત્રનો મિત્ર માટેનો પ્રેમ, દેશ માટેનો પ્રેમ, વતનની ધૂળ માટેનો પ્રેમ, માનવબંધુઓ માટેનો કન પ્રેમ, ઈશ્વર માટે નો પ્રેમ.
પણ આ બધા પ્રેમને ઝાંખપ લાગેલી છે, પોતાની ઈચ્છા ને તૃપ્તિ શોધતા માનવ મને એને નિર્દોષ રહેવા દીધો નથી.શારીરિક ક્ષણિક આકર્ષણને એ પ્રેમને નામે ઓળખે છે. પ્રેમની સાથે જ આવી જાય છે અપેક્ષાઓ, માંગણીઓ, અધિકાર, માલિકીભાવના ઈર્ષ્યા અને વહેમ.
એકવાર જે પ્રિય પાત્ર સમક્ષ હૃદય- અર્પણની ફુલ-છાપ ધરી હોય છે, તે પ્રિયપાત્ર પછી પોતાની લાગણીઓ અને કામનાઓ સંતોષવાનું માધ્યમ બની જાય છે. પ્રેમના નામે ઓળખાયેલો સંબંધ શોષણમાં બદલાઈ જાય છે એટલે તે કહેવાતા પ્રેમથી થયેલાં લગ્નોમાં બહુ જલ્દી ભ્રમનું નિરસન થાય છે, સંઘર્ષ ને કડવાશ જન્મે છે. પ્રેમ નફરતમાં, દુશ્મનાવટમાં ને છેવટે વિરછેદમાં પરિણામે છે.
ખલીલ જિબ્રાનનું એક વાક્ય છે કે પ્રેમ કોઈને તાબેદાર કરતો નથી અને પ્રેમ કદી તાબેદાર બનતો નથી. ટાગોરની કંઈક આવા જ ભાવની પંક્તિઓ છે:પ્રેમ કરે છે – ‘તું મારો છે’ ત્યારે એ પિંજરનો કેદી બને છે. પિંજર સોનાનું હોય કે માટીનું પણ એ પિંજર જ છે, આકાશ નથી. પણ પ્રેમ જ્યારે કહે છે કે ‘હું તારો છું’ ત્યારે એ હૃદયના સિંહાસન પર વિરાજે છે.
એક ઊંચી ચેતનાવસ્થામાંથી સ્વભાવના અભિન્ન ભાગરૂપે પ્રેમ પ્રગટ થાય છે ત્યારે તે સાચે જ સોના જેવો સુંદર ને ડાઘ વગરનો હોય છે. એવો પ્રેમ હિસાબ નથી કરતો, ગણતરી નથી માંડતો,પોતાના અર્પણનો બદલો નથી માંગતો. તે આપે છે અને આપવું એ તેનો આનંદ હોય છે, તેના હૃદયની તૃપ્તિ હોય છે. પ્રેમ પ્રિયપાત્રની જરૂરિયાત સમજે છે, એની ઈચ્છા આગળ પોતાની ઈચ્છાને ગૌણ ગણે છે. એની ભીતરમાં રહેલી શક્યતાઓ જુએ છે અને એને સાકાર કરવામાં સહાયભૂત થાય છે. પ્રેમ અંધ હોય છે એમ કહેવાય છે. જે અંધ છે તે પ્રેમ નથી. આકર્ષણ અને પ્રેમ વચ્ચેની ભેદરેખા ઘણી વાર સમજાઈ નથી હોતી, આકર્ષણ અંધ છે,આવેશમય છે. તે કોઈપણ હિસાબે પોતાની માંગણી સંતોષવા ઈચ્છે છે.
પ્રિયપાત્ર તેના માટે તેની ઈચ્છા-તૃપ્તિનું સાધન બને છે.
પ્રેમ અંધ નથી. તે પ્રિયપાત્રની આંતરિક સુંદરતાઓ અને શકિતઓ જુએ છે. તે ‘હું’ ને ‘તું’ નો ભેદ વિસારે પાડે છે.તે બીજા માટે ઘસાય છે અને ઘસાઈને ઉજવળ બને છે. તે કાળજી કરે છે; ભાવને અનુભવોમાં સહભાગી બને છે, આદર અને અતૂટ વિશ્વાસની ભૂમિ પર સાથે જીવતાં આનંદના ફૂલો ખીલવે છે.
સાચો પ્રેમ હારતો નથી કે નિરાશ થતો નથી. હેલન કેલરની શિક્ષિકાએ એ અંધ, બધિર મૂંગી બાલિકાને એક શબ્દ શીખવવા મહિનાઓ ગાળ્યા હતા. પ્રેમ મહેનત કરે છે અને થાકતો નથી. અપૂર્ણ માનવ-જીવનની પૂર્ણતા ભણીની યાત્રામાં પ્રેમીજનો જોડાજોડ ચાલે છે. એકમેકથી સ્વતંત્ર હોવા છતાં તેઓ જોડાયેલા રહે છે, કારણ કે તેમણે ‘અહં’ને બાજુ પર મુક્યો હોય છે.
મનુષ્યનો એક વ્યક્તિ માટેનો પ્રેમ સાચો ને સંપૂર્ણ બને ત્યારે તે જીવનને ઊર્ધ્વગામી બનાવે છે. વ્યક્તિ માટેનો પ્રેમ વિસ્તરીને માનવ- પ્રેમ અને પછી દિવ્ય પ્રેમ બને છે. પ્રેમ તેના અસ્તિત્વની સુગંધ બને છે.
પ્રેમ માંગણી નથી કરતો, શરતો નથી મૂકતો, માઠું નથી લગાડતો, હક નથી જમાવતો. એ પ્રેમાળભાવે પોતાને અર્પણ કરે છે. એક નિ:સહાય એકલવાયા વૃદ્ધનું સહેજ મલકીને અભિવાદન કરવું તે પ્રેમ છે, ખીલેલા મોગરા પાસે ક્ષણવાર ઊભા રહી બંધ આંખે તેની મહેક ઝીલવી તે પ્રેમ છે. પથ્થરની ગરમ ભૂમિ પર તરફડતા અળસિયાને હળવેથી ઊંચકી શીળી માટીમાં મૂકવું તે પ્રેમ છે. વૈશાખી પૂનમની રાતે બુદ્ધની નિર્વ્યાજ કરુણાનું સ્મરણ કરવું તે પ્રેમ છે.
‘હું’ ને જ્યારે મૌનમાં વિસારે પાડવામાં આવે છે,
ત્યારે
એ નીરવતામાં, પ્રેમનું દિવ્ય વાદ્ય વાગી ઊઠે છે.